TRUMP
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિના કારણે અનેક અમેરિકન કંપનીઓ મુશ્કેલીમાં મુકાઈ હોય તેવું લાગી રહ્યું છે. તાજેતરમાં જ એપ્પલે ભારતમાં મોટાપાયે રોકાણ કરવાની જાહેરાત કરી હતી, ત્યારે હવે ફોર્ડ મોટર કંપનીએ અમેરિકન નીતિઓને અવગણીને ભારતમાં રૂપિયા 3250 કરોડ (લગભગ 370 મિલિયન ડોલર)નું મોટું રોકાણ કરવાની જાહેરાત કરી છે.
ફોર્ડે તમિલનાડુ સરકાર સાથે MOU કર્યા
ફોર્ડ કંપનીએ 2021માં ભારતીય બજારમાંથી પોતાનું સંચાલન બંધ કરી દીધું હતું, પરંતુ હવે ફોર્ડ એક નવા મેન્યુફેક્ચરિંગ યુનિટ દ્વારા ભારતમાં ફરી પોતાની હાજરી નોંધાવવાની તૈયારીમાં છે. ફોર્ડે આ માટે તમિલનાડુ સરકાર સાથે એમઓયુ (MOU) પર હસ્તાક્ષર કર્યા છે.
600થી વધુ લોકોને મળશે રોજગારી
કંપનીએ કહ્યું છે કે, ‘આ શરૂઆતના રોકાણથી લગભગ 600થી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ નોકરીની તકો ઊભી થશે. આ મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટ પર કામ આ વર્ષના અંત સુધીમાં શરૂ થઈ જશે. એકવાર પ્લાન્ટ સંપૂર્ણ બની ગયા બાદ તેની ક્ષમતા દર વર્ષે 2.35 લાખ એન્જિન બનાવવાની રહેશે.
પ્લાન્ટ 2029માં સંપૂર્ણ કાર્યરત થશે : ફોર્ડ
કંપનીએ અંદાજ લગાવ્યો છે કે, પ્લાન્ટ વર્ષ 2029 સુધીમાં સંપૂર્ણપણે કાર્યરત થઈ જશે. ટ્રમ્પ તંત્ર અમેરિકન કંપનીઓને દેશમાં પાછા ફરવા અને દેશમાં જ ઉત્પાદન કરવા દબાણ કરી રહ્યા છે. રિપોર્ટ મુજબ અન્ય દેશોમાંથી માલ-સામાન આયાત કરતી અમેરિકન કંપનીઓ માટે ટેરિફના કારણે ઉત્પાદન ખર્ચ વધ્યો હતો. જોકે તેમ છતાં અમેરિકન કંપનીઓ ભારત જેવા ઝડપી વિકાસ પામના બજારને શ્રેષ્ઠ વિકલ્પ માની રહ્યા છે.



