
Voice of vikash news: સુરત શહેરના ઉમરા-વેલંજા રોડ પર આવેલી રંગોલી ચોકડી પાસે આજે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં આવેલા પતરાંના શેડવાળા ગોડાઉન અને દુકાનોમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ભંગારનું ગોડાઉન અને એક ટાયરની દુકાન સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા હતા.
પ્લાસ્ટિક અને ટાયરને કારણે આગ વિકરાળ બની
પ્રાપ્ત વિગતો અનુસાર શરૂઆતમાં આગ ભંગારના ગોડાઉનમાં લાગી હતી. ગોડાઉનમાં પ્લાસ્ટિક અને લાકડા સહિતનો જ્વલનશીલ સામાન હોવાથી આગ ઝડપથી પ્રસરી ગઈ હતી. આગ એટલી ભયાનક હતી કે તેણે બાજુમાં આવેલી અન્ય ત્રણ દુકાનોને પણ પોતાની ઝપેટમાં લીધી હતી. આગના કારણે આકાશમાં કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા ઉડવા લાગ્યા હતા, જે ઘટનાસ્થળથી આશરે ત્રણ કિલોમીટર દૂરથી પણ સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા.




